Tuesday, October 30, 2012

Enough is Enough...!!!


ચલો અચ્છા હુઆ કામ આ ગઈ દીવાનગી અપની, વર્ના હમ ઝમાનેભર કો સમઝાને કહાં જાતે,
'કતીલ' અપના મુકદ્દર ગમ સે બેગાના અગર હોતા, તો ફિર અપને પરાયે હમસે પહચાને કહાં જાતે.
-કતીલ શિફાઈ

દરેક વસ્તુ, દરેક વાત, દરેક ઘટના અને દરેક સંબંધની એક હદ હોય છે. આ હદની મર્યાદા અને મરતબો જળવાવો જોઈએ. માણસની સમજણ અને સંસ્કાર તેને સતત એવું કહેતા રહે છે કે બને ત્યાં સુધી કંઈ ન તોડવું, કંઈ ન છોડવું. છેડો ફાડવાનું સહેલું હોતું નથી, પણ જ્યારે કોઈ જ શક્યતાઓ બચી ન હોય ત્યારે માણસે કઠોર અને ન ગમતાં નિર્ણયો પણ કરવા પડે છે. યોગ્ય સમયે આવા નિર્ણયો મુલત્વી રાખીએ તો એ પણ પીડા આપે છે.
એક સ્વિમરે જિંદગી અને સ્વિમિંગ વિશે કહ્યું કે, આ બંને બહુ એકસરખા છે. પાણીનો એક નિયમ એ છે કે પાણી ગમે તેટલું ઊંડું હોય તોપણ તમે ડૂબી નથી જતા, સવાલ એટલો જ હોય છે કે તમને તરતાં આવડવું જોઈએ. કેવા વહેણમાં કેવી રીતે તરવું એ જ આવડત જિંદગીમાં પણ કામ લાગે છે કે કેવા સંજોગોમાં કેવી રીતે જીવવું. જ્યારે દરિયામાં ભંવર સર્જાય ત્યારે ગમે તેવો તરવૈયો પણ ગોથું ખાઈ જાય છે. આ સમયે બેસ્ટ વિકલ્પ એ જ હોય છે કે બહાર નીકળી જવું. માણસને પણ જિંદગીમાં એટલી ખબર હોવી જોઈએ કે ક્યાં સ્ટોપ કરવું અને ક્યાંથી વિડ્રો થવું. યોગ્ય સમયે અંત આણવો એ પણ ઓછું ઇમ્પોર્ટન્ટ નથી. શક્યતાઓ ઉપર પૂર્ણવિરામ મુકાય ત્યારે નવો પ્રારંભ જ એકમાત્ર રસ્તો હોય છે. ધરાર કંઈ પણ ન કરવું, કારણ કે મન મારીને કરાતું કામ શ્રમ સિવાય કંઈ જ નથી અને જબરજસ્તીથી નિભાવાતાં સંબંધોમાં પીડા સિવાય કંઈ જ મળતું નથી.
એવું કહેવાય છે કે અડધે રસ્તેથી કંઈ પણ અધૂરું ન છોડવું, કારણ કે પાછા વળીને પણ તમારે અડધો રસ્તો કાપવાનો જ હોય છે. વાત હિંમત ન હારવાની હોય ત્યારે આ અડધા રસ્તાવાળી વાત બહુ સાચી છે. શક્ય હોય ત્યાં સુધી પાછા વળવું કોઈને પણ ગમતું નથી. છતાં જો એવું જ લાગે કે હવે એક ડગલું પણ આગળ જઈ શકાય તેમ નથી ત્યારે પાછા વળી જવામાં પણ કંઈ ખોટું નથી. ફના પણ ત્યારે જ થવું જોઈએ જ્યારે તમારી ફનાગીરીની કોઈને કદર હોય. બધું જ કરી છૂટો જો એનું કોઈ તાત્પર્ય હોય, જેના માટે ખતમ થવા તૈયાર હોઈએ એને જ જો કોઈ ખબર કે કોઈ અસર ન હોય તો આપણા પ્રયાસો મૂર્ખામીમાં જ ખપે છે.
જિંદગીમાં ઘણા એવા સંજોગો આવે છે જ્યારે આપણે 'ઈસ પાર યા ઉસ પાર ' નો નિર્ણય કરવો પડે છે. આવા સમયે આપણો નિર્ણય આપણી બાકીની જિંદગીનો ફેંસલો કરતો હોય છે. શાંતિનો નિર્ણય કે સમાધાનનો નિર્ણય જેટલો અઘરો હોય છે તેનાથી અનેકગણો અઘરો નિર્ણય યુદ્ધનો હોય છે. તમે ઇતિહાસ તપાસી જુઓ, યુદ્ધનો નિર્ણય લેનાર દરેક વ્યક્તિએ એવું જ કહ્યું છે કે અમારા માટે યુદ્ધનો નિર્ણય લેવો અઘરો હતો. યોગ્ય સમયે યુદ્ધનો પણ નિર્ણય ન લઈએ તો એ કાયરતામાં ખપી જતો હોય છે. ઘણાં સંજોગો જ એવા હોય છે કે સમાધાન કરતાં આપણને હાર વધુ વાજબી લાગે છે. ઘૂંટણિયા ટેકવી દેનારાઓએ પછી ગુલામીમાં જ જીવવું પડે છે.
બસ બહુ થયું. ઇનફ ઈઝ ઇનફ. એવું લાગે ત્યારે પણ દિલની વાત સાંભળવી જોઈએ. આપણી સમાજરચના અને સિસ્ટમ જ એવી છે કે લોકો આપણને સતત સમાધાન અને સહેલો રસ્તો પકડવાની જ સલાહ આપે. આવી સલાહ આપનારાઓ આપણું ભલું ઇચ્છતા હોય એવું શક્ય છે, પણ આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે શું કરવું છે? જો આપણે નક્કી કરી લઈએ કે આમ જ કરવું છે તો પછી કોઈની સલાહ લેવાનું પણ ટાળવું જોઈએ. મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાથી પાછા ફરીને સત્યાગ્રહ કરવા વિશે કોઈની સલાહ લીધી હોત તો તેના વડીલોએ પણ કદાચ એવું જ કહ્યું હોત કે સરસ મજાની વકીલાત ચાલે છે સારું કમાય છે, આ બધું છોડીને સત્યાગ્રહ કરવાથી શું મળવાનું છે? આવું કરવા માટે તને ભણાવ્યો હતો? વિદેશ મોકલ્યો હતો? ગાંધીજીએ ક્યારેય કોઈની સલાહ લીધી ન હતી કે હું આવું કરું કે નહીં?
અમુક તબક્કે માણસે પોતે જ એવો નિર્ણય કરવો પડે છે કે બસ હવે આમ જ કરવું છે. સવાલ કરિયરનો હોય કે જિંદગીનો, સુખનો હોય કે સંબંધનો, પ્રેમનો હોય કે નફરતનો, અમુક સમયે અમુક નિર્ણયો લેવાના જ હોય છે. ગમતું કરવા માટેની સૌથી પહેલી શરત એ જ હોય છે કે ન ગમતું ક્યારેય ન કરવું. આવા સમયે ધ્યાન એટલું જ રાખવાનું કે આંધળુકિયાં ન કરીએ. આપણા વિશેની સ્પષ્ટતા આપણને હોવી જ જોઈએ. બધું જ વિચારીને એક વાર નિર્ણય કરી લો અને પછી એ નિર્ણય વિશે ક્યારેય કોઈ અફસોસ ન કરો, નિર્ણય ખોટો પડે તો પણ. બધા જ નિર્ણયો સાચા પડે એવું જરૂરી નથી, છતાં, આપણાં દરેક નિર્ણયનું આપણને ગૌરવ હોવું જોઈએ. ઘણી વખત નિર્ણય ન લેવા કરતાં ખોટો નિર્ણય પણ સારો હોય છે, કારણ કે આ નિર્ણયમાં સાચા પડવાનો એક વિકલ્પ પણ જીવતો હોય છે. ઘણી વખત માણસનો એક નિર્ણય ખોટો પડે પછી એ બીજો નિર્ણય લેતા ડરે છે, જરૂરી નથી કે બધા નિર્ણયો ખોટા પડે. દરેક બાબતે માણસે વિચાર કરવો જોઈએ પણ એટલો લાંબો વિચાર પણ ન કરવો કે કોઈ નિર્ણય ઉપર જ ન આવી શકાય.
દોસ્તી, પ્રેમ કે કોઈ પણ સંબંધ તોડવાનો નિર્ણય જિંદગીમાં સૌથી અઘરો હોય છે. સંબંધો સુખ આપે છે અને જિંદગી જીવવાનું બળ આપે છે. એ વાત સાચી પણ સંબંધ જો સાચો ન હોય તો એ સુખને બદલે દુઃખ જ આપે છે. પ્રેમને બદલે પીડા જ આપે છે, સાંત્વનાને બદલે વેદના જ આપે છે. સંબંધ માટે પણ એ જરૂરી હોય કે આપણે સમજીએ કે કયો સંબંધ સાચો છે અને કયો ખોટો છે. જે સંબંધમાં સત્ત્વ ના હોય એને પકડી રાખવાથી પણ કંઈ મળવાનું નથી. એ વાત બરાબર છે કે પ્રેમ કે સંબંધમાં કોઈ અપેક્ષા ન રાખો પણ એટલિસ્ટ આપણા સંબંધની કદર અને ગૌરવ તો હોવાં જ જોઈએ. સંબંધ સાચો હોય તો તમારી જાતને ઘસી નાખો પણ જાતને ઘસતાં પહેલાં એ ચકાસી લો કે સંબંધ સાચો છે કે ખોટો?
સંબંધોની બાબતમાં મૂર્ખ ઠરવું સૌથી વધુ જોખમી છે, કારણ કે તેની અસર સીધી દિલને થાય છે. આપણે કોઈના માટે સતત સળગતા રહીએ અને સામેથી ક્યારેય એકેય તણખો પણ ન ઝરે તો યાદ રાખવાનું કે આપણું આવું સળગવું સરવાળે રાખ જ થવાનું છે. હૂંફ માટે બધું કરો પણ જ્યારે તાપ લાગવા માંડે ત્યારે ચેતી જાવ.

છેલ્લો સીનઃ
જેનો ઉદ્દેશ ઊંચો છે, તેણે આરામપ્રિય જિંદગી અને દરેક વ્યક્તિને રાજી રાખવાની વૃત્તિથી દૂર રહેવું જોઈએ. -ઇમર્સન

 
સ્ત્રોત : ( ‘સંદેશ’, તા. 21 ઓકટોબર, 2012, રવિવાર, સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
 

Friday, October 26, 2012

ઈશ્વર સાથે ઓનલાઈન ચેટિંગ...



એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ....
ઈશ્વર:શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’ 
ઈશ્વર:‘વત્સ હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીંભગવાન કહેવડાવે છે.’ 
ઈશ્વર:‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો.તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય?’
હું : ‘.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ? 
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે ! 
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે.અત્યારે પીક અવર્સ ચાલે છે. 
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા પીક અવર્સમાં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ?તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે.’

હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’ 
ઈશ્વર : સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને?’

હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ.અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જ અનિશ્ચિત દેખાય છે.’ 
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું.જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત.જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !

હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’ 
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’

હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’ 
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે. એને ઓળખવાની કોશિશ કર.મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી,એ પણ વહી જવાના છે.’

હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે ?’ 
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’

હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’ 
ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો, મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’

હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’ 
ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી !જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાંહું એકલો કેમ ?’એવો પ્રશ્ન એને નથી થતો.

હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’ 
ઈશ્વર : ‘તને હંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે,જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે.થોડું ક્ષમા આપવાનું પણ રાખ.’

હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી?’
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો, ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે  આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ?એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.

હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે ?’ 
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ.જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે,મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.

સ્ત્રોત : Internet

Tuesday, October 9, 2012

BUYING MEDICINE IS A LOT MORE CHEAPER


Dear All;

Nowadays medical expenses are unbearable. spending lots more on medicine is another headache for a common men. as we all know that the price of medicine is based on the brands while the same can be available in market with other brand having same generic.
 
so just for public interest I am sharing the site from which u can add your regular medicine,and searching its generic with all available medicines from branded manufacturer with the cheapest option available.

NOTE: 
    Cheap Option for Your medicines

Monday, October 8, 2012

OH MY GOD Movie મારી બારી એ થી ...!!!

કાલે જ મિત્રો સાથે OMG  movie જોવાનું થયું...જોયા બાદ એક મનોમંથન આપણી માનસિકતા  પર..!!! આમાં ધર્મ કે અધ્યાત્મ પર ટીકા નથી પણ આજે જે ધર્મ દેખાઈ રહ્યો છે તે શું માણસ નો જીવન વિકાસ કરી શકે છે ? यतो धर्म स्ततो जयः ( જ્યાં ધર્મ છે ત્યાં જ જય છે) એવા વ્યાસ વચન ને સાર્થક કરતો આજ નો ધર્મ (કહેવાતો.!!!) છે ખરો..??


ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર
હેઠા મૂકાશે હાથ ને ભેગા થશે પછી
કોશિશ જ્યાં પતે, ત્યાં શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યાં છે ભૂલકાં
લાગે છે તને દૂરના ચશ્મા ઈશ્વર
કહે છે તું મંદિરે છે કેવો હાજરાહજૂર
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર?
થોડાં જગતના આંસુઓ ને થોડા મરીઝના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર?

Friday, October 5, 2012

પ્રેમ હોય એ પૂરતું નથી, દેખાવો જોઈએ


ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
દિલ ભી ઇક બચ્ચે કી માનિંદ અડા હૈ જિદ પર,
યા તો સબ કુછ હી ઈસે ચાહિયે યા કુછ ભી નહીં.
-રાજેશ રેડ્ડી
દરેક વ્યક્તિ કોઈને પ્રેમ કરતી હોય છે. કોઈ પ્રત્યે જરાકેય લાગણી ન હોય એવો માણસ હોઈ ન શકે. કોઈક થોડું તો કોઈક વધારે સંવેદનશીલ હોય છે. તમને કોઈ એવું પૂછે કે આ જગતમાં તમને સૌથી વહાલું કોણ છે? તો તમે કોનું નામ આપો? તમે જેનું નામ આપવાના હોય તેને તમે છેલ્લે ક્યારે કહ્યું હતું કે તું આ જગતમાં મને સૌથી વહાલી વ્યક્તિ છે.
તમને ખબર પડે કે હવે તમારી જિંદગીની છેલ્લી પાંચ મિનિટ છે અને તમે માત્ર એક જ ફોન કોલ કરી શકો તેમ છો તો તમે કોને ફોન કરશો? નામ નથી જોઈતું, તમે પણ વિચારો નહીં, ફોન ઉપાડો. આપણે સહુ ઘણી બધી વસ્તુ બહુ પેન્ડિંગ રાખી દઈએ છીએ અને ઘણી વાર એ પેન્ડિંગ જ રહી જાય છે.
બે પ્રેમી હતાં. એક વખત એક ગાર્ડનમાં ફરવા ગયાં. બંને પોતાના સુંદર ભવિષ્યની વાતોમાં ખોવાયેલાં હતાં. પ્રેમીએ કહ્યું કે મારે તને દુનિયાનું દરેક સુખ આપવું છે. માત્ર દુનિયાનું નહીં, મારે તો તને સ્વર્ગનું પણ સુખ આપવું છે. આપણો ભવ્ય બંગલો હશે. એક વિશાળ ફાર્મહાઉસ હશે. આપણા ફાર્મહાઉસમાં હું આ ગાર્ડન જેવો જ મસ્ત ગાર્ડન બનાવીશ અને પછી તારો હાથ મારા હાથમાં લઈને તારામાં ખોવાઈ જઈશ. પ્રેમિકાના હાથમાં સળવળાટ થયો, તેણે હાથ ઊંચો કરીને કહ્યું કે આ રહ્યો હાથ... તારો હાથ કેમ ભવિષ્યના અજાણ્યા સમયમાં બાચકા ભરી રહ્યો છે?
ઇચ્છાઓ છેતરામણી હોય છે. ઘણી વાર એ અધૂરી જ રહી જાય છે. કોઈ ઇચ્છા વ્યક્ત થાય તો એને વહેલીતકે પૂરી કરી દો. અફસોસ ન રહેવો જોઈએ. દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક તેની ઇચ્છા વ્યક્ત કરતી જ હોય છે. મોટાભાગે તો લોકોની ઇચ્છા નાની નાની હોય છે પણ આપણને એ નાની ઇચ્છાની કદર હોય છે? સપનાં ઓલવેઝ મોટાં જ નથી હોતાં, નાનાં નાનાં સપનાં પણ હોય છે અને મોટાભાગે જિંદગી નાનાં નાનાં સપનાંથી જ સાકાર થતી હોય છે.
એક પતિ-પત્ની હતાં. પત્ની પતિ પાસે ઘરના ફ્લેટની ગેલેરીમાં રાખવા માટે કૂંડાં મગાવતી હતી. પતિ તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. તે બંગલો બનાવીને પત્ની માટે નાનકડો બગીચો બનાવવાનો વિચાર કરતો હતો. પંદર વર્ષ પછી બંગલો બન્યો, બગીચો પણ બન્યો. પતિએ કહ્યું કે કેવો છે બગીચો?પત્નીએ કહ્યું કે સરસ છે. પણ પંદર વર્ષ પહેલાં થોડાંક કૂંડાં લાવી આપ્યાં હોત તો? આ તો તેં તારું સપનું પૂરું કર્યું છે, મારું એ સપનું તો ત્યારે જ અધૂરું રહી ગયું હતું. અત્યારના સમયની સૌથી મોટી કમનસીબી એ જ છે કે પથારી એક હોય છે પણ સપનાં જુદાં જુદાં હોય છે.
લાગણી, પ્રેમ, સંવેદના અને હેપીનેસને ક્યારેય પેન્ડિંગ ન રાખો. પ્રેમ હોય એ પૂરતું નથી, પ્રેમ વ્યક્ત પણ થવો જોઈએ. તમે કોઈની સાથે તમારી રીતે જ અને તમારા મનમાં જ પ્રેમ ન કરી શકો. તમારે તમે જેને પ્રેમ કરો છો તેને તેની રીતે પ્રેમ આપવો જોઈએ. વ્યક્ત થવું એ પ્રેમ કરવાની જ એક કળા છે.
એક મિત્રએ એસએમએસ કર્યો. ગોડ હેઝ પ્લાન્ડ હેપીનેસ ફોર ઈચ ઓફ અસ એટ ધ રાઈટ ટાઈમ બટ હી (ગોડ) ડઝ નોટ શેર હી કેલેન્ડર વિથ અસ. મતલબ કે કુદરતે આપણા દરેક માટે સુખ, આનંદ અને ખુશીની વ્યવસ્થા કરી છે પણ એ આપણને તેનું કેલેન્ડર કે સમય બતાવતા નથી. જોકે એ સમય અને કેલેન્ડર મોટાભાગે આપણાં હાથની જ વાત હોય છે. રાઈટ ટાઈમની રાહ ન જુઓ, જે ટાઈમ છે એને જ રાઈટ બનાવો.
દરેક સંબંધ વ્યક્ત થવો જોઈએ. એ સંબંધ પછી કોઈ પણ હોય. તમારા મિત્ર, ભાઈ, બહેન કે બીજા કોઈ પણ માટે તમારા મનમાં જે છે.તે તમે તેને કહો છો? આપણે નથી કહેતા, મનમાં જ રાખીએ છીએ. ઘણી વખત એવો ડર પણ હોય છે કે ઇચ્છા પૂરી નહીં કરી શકીએ તો? મોટી ઇચ્છાઓની ચિંતા ન કરો, નાની નાની ઇચ્છાઓને સાકાર કરો.
વરસાદ પડતો હતો. એક પ્રેમિકાએ તેના પ્રેમીને કહ્યું કે ચાલ પલળવા જઈએ. પ્રેમીએ કહ્યું કે આજે નહીં, કાલે જશું. વરસાદ તો હમણાં રોજ આવે છે. પ્રેમિકાએ કહ્યું કે વરસાદ તો કદાચ કાલે આવશે પણ કાલે મારી ઇચ્છા હશે કે નહીં એ મને ખબર નથી. અધૂરાં રહી જતાં સપનાં ઘણી વખત ક્યારેય પૂરાં થતાં નથી.
પ્રેમ અને સંબંધમાં ઘણી વખત માણસ એ નક્કી કરી શકતો નથી કે સાચું શું છે અને વધુ મહત્ત્વનું શું છે? આપણે આવા સવાલનો જવાબ આપણી વ્યક્તિ પાસેથી જાણવાનો પ્રયત્ન પણ નથી કરતાં. હોંગકોંગથી એક વાચકનો ઈ-મેલ આવ્યો છે. તેની જોબ હોંગકોંગમાં છે. સારો એવો પગાર છે. પત્ની અને બાળકો ગુજરાતના એક શહેરમાં રહે છે. સંજોગો એવા છે કે પત્ની અને બાળકોને હોંગકોંગ રહેવા બોલાવી શકાય એમ નથી. દર છ આઠ મહિને ઇન્ડિયા આવે છે અને ઘરના લોકોને મળી જાય છે.
એ ભાઈએ લખ્યું કે મારી પત્ની મને એવું કહે છે કે તને અમારા પ્રત્યે પ્રેમ જ નથી. હકીકતે હું મારી પત્ની અને પરિવારને ખૂબ જ પ્રેમ કરું છું. પત્ની કહે છે કે તો પછી તું ઇન્ડિયા કેમ નથી આવી જતો? તને તારું કામ અને તારા રૂપિયા જ વહાલા છે. એ ભાઈ લખે છે કે ઇન્ડિયામાં મારા લાયક સારી જોબ નથી અને જે જોબ છે તેમાં હોંગકોંગ જેટલી આવક નથી. હું અહીં એકલો રહીને ઘરના લોકો માટે જ મહેનત કરું છું, પણ એ લોકો એમ સમજે છે કે હું તેને પ્રેમ કરતો નથી. આ વાત મને કોરી ખાય છે. મારે એને કેમ સમજાવવું કે તમારા સુખ માટે જ તો હું હેરાન થાઉં છું. તમારા માટે જ તો આ બધું કરું છું.
સવાલ એ થાય કે જો તમે એમના માટે જ બધું કરો છો તો પછી એ લોકોને તેનો અહેસાસ કેમ નથી? કે તમે એ અહેસાસ કરાવી નથી શક્યા? તમને પ્રેમ છે તો પછી એ પ્રેમ દેખાતો કેમ નથી? એવું શું ખૂટે છે કે તમારી પત્નીને એમ નથી થતું કે મારો પતિ અમારા સુખ માટે હેરાન થઈ રહ્યો છે. બીજો સવાલ એ છે કે તમે આખરે બધું શેના અને કોના માટે કરો છો? તમારા મતે તમારું સુખ અને તમારી પત્નીના હિસાબે તેના સુખની વ્યાખ્યા અલગ અલગ છે. તમે સાથે હોય એને જ તમારી પત્ની સુખ સમજતી હોય તો પછી તમે ગમે એટલાં નાણાં કમાઈને તેને આપશો તો પણ તેને સુખ નહીં મળે. સુખનો નિર્ણય સાથે બેસીને જ થઈ શકે. મોટાભાગે આવું જ થતું હોય છે, પ્રેમ બંનેને હોય છે પણ બંનેની વ્યાખ્યાઓ જુદી જુદી હોય છે અને તેના કારણે જ ઘણી વખત રસ્તાઓ જુદા થઈ જતાં હોય છે.
ઘણી વખત આપણી વ્યક્તિ માટે આપણે જે કરતાં હોઈએ છીએ તેની એને ખબર જ નથી હોતી. તમે તમારી વ્યક્તિ માટે જે કરતાં હો એ જતાવો નહીં પણ બતાવો તો ખરાં જ. માત્ર પરિણામ વખતે જ પોતાની વ્યક્તિ હાજર હોય એ જરૂરી નથી, પ્રયત્નોમાં પણ સાથે હોવી જોઈએ ને સાથે રાખવી જોઈએ.
મોટા ભાગે બધાને સવાલ એ જ હોય છે કે હું તો પ્રેમ કરું છું પણ તેને કેમ એવું લાગતું નથી? મોટા ભાગે તેનું કારણ એ હોય છે કે આપણી વાત આપણે આપણા મનમાં જ રાખતા હોઈએ છીએ. તમે તમારાં સપનાંને સાકાર કરવામાં એટલા વ્યસ્ત ન થઈ જાઓ કે વ્યક્ત ન થઈ શકો. પ્રેમ અહેસાસ માંગે છે. અહેસાસ એ જ વિશ્વાસ છે. હું તારો છું કે હું તારી છું એટલો અહેસાસ જ પૂરતો હોય છે.
આપણી વ્યક્તિ જ આપણને ઓળખી ન શકે તો સમજવું કે કંઈક ખૂટે છે. તમારું વર્તન જ તમારી ઓળખ બનતું હોય છે. તમારા વર્તનમાં જો પ્રેમ રિફ્લેક્ટ થતો હશે તો તેનો પડઘો અને પ્રતિસાદ પડયા વગર નહીં રહે.
છેલ્લો સીન :
કોઈ પણ માણસ જ્યાં સુધી સારા થવાનો પ્રયાસ ન કરે ત્યાં સુધી પોતે કેટલો ખરાબ છે તે જાણી શકતો નથી. -સી.એસ. વિસલે

Thursday, October 4, 2012

બધું જ સારું ક્યારેય નહીં હોવાનું



અરજ એવી છે ક્યાં કે ફળ લખી દે, કરું બસ કર્મ એવું બળ લખી દે.
બળીને પણ ન છૂટે બંધનો જે, અમારા પ્રેમને એ વળ લખી દે.
- જીગર ટંકારવી
 
જિંદગીથી દરેક માણસને કોઈ ને કોઈ ફરિયાદ તો હોવાની જ છે. દરેકને એવું લાગતું જ હોય છે કે હજુ જિંદગીમાં કંઈક ખૂટે છે. બસ,આ એક પ્રોબ્લેમ ન હોત તો જિંદગી કંઈક જુદી જ હોત એવું બધાને થતું જ હોય છે. દરેક વ્યક્તિ આશ્વાસન શોધતી ફરે છે. ઉકેલ,નિરાકરણ અથવા સમાધાન માટે માણસ ફાંફાં મારે છે. માણસના મોટાભાગનાં દુઃખનું કારણ તેના સુખ મેળવવાના ધમપછાડામાં છુપાયેલું હોય છે.
સુષુપ્ત જ્વાળામુખી જેવો માણસ અંદરથી સતત ધગધગતો રહે છે અને તક મળતાં જ ધડાકાભેર ફાટે છે. બધાને બધું જ જોઈએ છે અને ખૂબ ઝડપથી જોઈએ છે. બધા મોકાની રાહ જુએ છે, આપણો સમય આવશે ત્યારે જોઈ લેશું. દરેકને કંઈક અને કોઈક નડે છે. દરેક માણસ રોદણાં રડે રાખે છે. કોઈની સફળતા પણ આપણાથી સહન થતી નથી. કેટલા લોકો ખરેખર દિલથી અભિનંદન આપતાં હોય છે? આપણા સુખનો આધાર આપણે બીજા લોકોના સુખને કેવી રીતે સ્વીકારીએ છીએ તેના ઉપર પણ રહેતો હોય છે. મોટાભાગે માણસ કોઈનું સુખ જોઈને વધુ દુઃખી થતો હોય છે. કોઈને કંઈ મળ્યું હોય તો જાણે આપણું છીનવી લીધું હોય એવું આપણને લાગે છે. નસીબનો બળિયો છે હોં એવું કહીને આપણે કોઈની મહેનત કે હિંમતને દાદ આપવાના બદલે એને નસીબથી મળી ગયું હોય એવી લાગણી વ્યક્ત કરીએ છીએ.
જિંદગીએ દરેકને પૂરતું આપ્યું જ હોય છે છતાં દરેકને એવું થતું રહે છે કે, થોડા હૈ, થોડે કી જરૂરત હૈ... ઇચ્છા રાખવી, સપનાં સેવવાં અને બહેતર જિંદગીની અપેક્ષા રાખવામાં કંઈ જ ખોટું નથી પણ કંઈક મેળવી લેવાની લાયમાં જિંદગી જીવવાનું ભુલાઈ ન જવું જોઈએ. જિંદગી એ સુખ અને દુઃખનો સરવાળો છે. ગુલાબનું ફૂલ જોઈતું હોય તો કાંટાને પણ સ્વીકારવા પડે છે. જિંદગીમાં પડકારો તો આવવાના જ છે. આપણી ઇચ્છા મુજબ બધું ક્યારેય ચાલવાનું નથી. વિચાર કરો કે જિંદગી એક જ ઘરેડમાં ચાલતી હોત તો કેવી કંટાળાજનક બની જાત. જેને જે જોઈતું હોય એ મળી જાય છે તેવા લોકોના જીવનમાં સતત કંઈ ખૂટતું રહે છે. કંઈક મેળવવાની અને કંઈક બનવાની ઇચ્છા જ માણસને જીવવાનું તત્ત્વ પૂરું પાડે છે. કોઈ લડાઈ લડયા વગર જીતી શકાતી નથી. લડયા વગર જીતવાનું તો દૂર, હારી પણ શકાતું નથી. જે કોઈ દિવસ હાર્યો નથી એને જીતનો સાચો આનંદ ક્યારેય આવતો નથી.
જિંદગી સામે ક્યારેય ફરિયાદ ન કરો. હા, ઘણી વખત જિંદગી એવા મુકામ પર લાવીને આપણને છોડી દે છે કે આપણને કોઈ રસ્તો નથી સૂઝતો. આવું કંઈ થાય ત્યારે જિંદગીને વહેવા દેવી જોઈએ. જિંદગીના મોટા ભાગના જવાબ જિંદગી જ આપી દેતી હોય છે. જિંદગી પાસે માત્ર સવાલો જ નથી હોતા, જવાબો પણ હોય છે, આપણે બસ એ જવાબની રાહ જોવાની હોય છે. આપણે જવાબ પણ ઝડપથી જોઈતો હોય છે. જવાબ ન મળે ત્યારે આપણા પ્રશ્નો જ ફરિયાદ બની જાય છે. મારી સાથે જ આવું થાય છે. આપણે ભગવાનને પણ પૂછવા લાગીએ છીએ કે તું છે કે નહીં? અને તું છે તો દેખાતો કેમ નથી? દરેક માણસ પોતાની નજરોમાં નિર્દોષ જ હોય છે. ચોર, લૂંટારા અને ખૂનીઓ પણ પોતાને નિર્દોષ જ ગણાવતા હોય છે. કયો ગુનેગાર એવું કહે છે કે મેં ગુનો કર્યો છે અને મને સજા થવી જોઈએ! દરેક પાસે પોતાની નિર્દોષતાનાં કારણો છે અને પુરાવા પણ એ ઊભા કરી દે છે. માણસ જ્યારે કંઈ જ નથી કરી શકતો ત્યારે એ બીજાને દોષ દેવાનું શરૂ કરી દે છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે હું આખી દુનિયાથી થાકી ગયો છું. દુનિયામાં સારું કશું છે જ નહીં, બધા જ સ્વાર્થી, લુચ્ચા,બદમાશ અને લેભાગુ છે. મને જિંદગીમાં નાલાયક લોકો જ મળ્યા છે. સંત કંઈ જ બોલ્યા વગર તેની વાત સાંભળતા રહ્યા. એ માણસે બોલવાનું પૂરું કર્યું ત્યારે સંતે કહ્યું કે ચાલ મારી સાથે. સંત ઝૂંપડામાં ગયા. એક વાટકીમાં થોડીક ખાંડ લીધી, પછી થોડુંક મીઠું લીધું અને વાટકીમાં નાખ્યું. વાટકીમાં ખાંડ અને મીઠું મિક્સ થઈ ગયું. વાટકી બતાવીને સંતે કહ્યું કે જો ળજિંદગી આવી છે. થોડીક ખારી, થોડીક મીઠી. સંત એ માણસને બહાર લઈ ગયા.
એક ઝાડના થડ નજીક કીડીઓનું દર હતું. સંતે ખાંડ અને મીઠાનું મિશ્રણ કીડીઓના દર નજીક રાખી દીધું. ધીમે ધીમે કીડીઓ બહાર આવી અને ખાંડના કણો ઉઠાવી ગઈ. છેલ્લે માત્ર મીઠું જ બચ્યું. સંતે કહ્યું કે આ કીડીઓને જો, જિંદગીની સમજ આવી જશે. જિંદગીમાં મીઠું પણ છે અને ખાંડ પણ છે, તમને માત્ર ખાંડ ઓળખતા આવડવી જોઈએ. સારા અને ખરાબના મિશ્રણમાંથી તમે જે જોશો એ જ દેખાશે. આપણે ત્યાં કહેવત છે કે જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો જ, પણ આપણે ઉકરડા સામે શા માટે જોવાનું? ગામ સામે જુઓને.
જેની પાસે પરિણામ નથી હોતું એની પાસે એક્સ્ક્યુઝીસ હોય છે. આપણે બધા જ આપણા બચાવનાં કારણો શોધતાં ફરીએ છીએ. ભૂલ સ્વીકારવા જેટલી નિખાલસતા પણ આપણે કેળવી શકતા નથી, ભૂલ કેવી રીતે થઈ તે સમજાવવાનો પ્રયાસ કરતાં ફરીએ છીએ. લોકો પહેલાં એ વિચારે છે કે જો હું ખોટો પડીશ તો શું જવાબ આપીશ? પોતાનો વાંક શોધવો એ સૌથી અઘરું કામ છે. સૌથી સહેલું કામ છે કોઈને દોષ દેવાનું.
આ એક માણસ મને નડે છે. એ મને આગળ આવવા દેતો નથી. એને મારી ઈર્ષ્યા થાય છે. હું સફળ ન થાઉં એવું જ એ ઇચ્છે છે. દરેકને કોઈની સામે ફરિયાદ છે. જિંદગીમાં એક માણસને મારી નાખવાની જો તમને છૂટ આપવામાં આવે તો તમે કોને મારી નાખો?એક માણસે થોડાક લોકોને ભેગા કરીને આવું પૂછયું. બધાએ તેના દુશ્મન નંબરવનનું નામ આપ્યું. પ્રશ્ન પૂછનાર માણસે પછી એટલું જ કહ્યું કે હવે તમે માત્ર એટલું જ કરો કે એને માફ કરી દો, માફ કરીને એને ભૂલી જાવ, કારણ કે જ્યાં સુધી તમે એને ભૂલી નહીં શકો ત્યાં સુધી તમે બીજું કંઈ જ યાદ નહીં રાખી શકો. માણસ તેની મોટાભાગની શક્તિ વેર લેવામાં અને બતાડી દેવામાં વેડફે છે.
જિંદગીમાં બધું જ સારું ક્યારેય નહીં હોવાનું પણ જો તમે માત્ર સારું જ જોશો તો તમને બધું સારું જ દેખાશે. વાંક જોવાવાળાને બધું વાંકું જ દેખાવાનું છે. ચાંદમાં ડાઘ છે પણ તમારે જો ચાંદની - રોશની જ જોવી હોય તો તમને ડાઘ નડતાં નથી. જિંદગી સરળ અને સહજ જ હોય છે, આપણે તેને અઘરી સમજી લેતા હોઈએ છીએ અને અઘરી બનાવી દેતા હોઈએ છીએ. દુનિયા આજે જેટલી સારી છે એટલી અગાઉ ક્યારેય સારી ન હતી એવું સ્વીકારનારને દુનિયા સારી જ લાગે છે. સતયુગ અને કળયુગ પણ આપણા કારણે જ હોય છે, જે સારા છે તેના માટે દરેક સમય સતયુગ જ છે.
છેલ્લો સીન
આપણે જો ભૂલો વિનાના હોત તો આપણને એ બીજામાં શોધવામાં આટલો બધો આનંદ ન આવતો હોત.
-લા રોચેફાઉકાઉલ્ડ